તમારા વિના - 31

૩૧

‘સર... યસ, સર... સર... મૈં દેખકર આપકો બતાતા હૂં. યસ સર. ઓ.કે. સર.’ ડીસીપી પાંડે ફોન પર પોતાના કોઈ ઉપરી જોડે વાત કરી રહ્યા હતા એ કાન્તાબેનને સમજાતું હતું.

કાન્તાબેન ડીસીપી પાંડેની કૅબિનમાં પ્રવેશ્યાં અને તેમની સામેની ખુરશીમાં બેઠાં ત્યાં જ ફોન રણક્યો અને પાંડેએ રિસીવર ઊંચકી વાત કરવા માંડી હતી. તે ફોન પર વાત કરતા હતા એમાં મોટા ભાગે તો સર... યસ સર... સર... એવા જ શબ્દો વધુ આવતા હતા. ડીસીપી પાંડે આજે ખાખી વર્દીમાં હતા અને તેનું વ્યક્તિત્વ વધુ પ્રભાવશાળી લાગતું હતું. તે ફોન પર વાત કરતા હતા ત્યારે ખુરશીમાં જ બેઠા હતા. તેમ છતાં તેમના અવાજમાં શિસ્ત હતી એને કારણે તે બેઠાં-બેઠાં નહીં પણ સાવધાન સ્થિતિમાં ઊભા હોય અને તેમના ઉપરીના આદેશ લઈ રહ્યા હોય એવું લાગતું હતું. ટેલિફોન પર તે વાત કરી રહ્યા હતા એને આંખ બંધ કરીને સાંભળીએ તો એમાં ઉપરી પ્રત્યેના આદર કરતાં અનુશાસનની પ્રતીતિ વિશેષ થતી હતી.

ડીસીપી પાંડેએ બે-ત્રણ મિનિટ ફોન પર વાત કરી એે સારું જ થયું એવું કાન્તાબેનને લાગ્યું, કારણ કે દાદરા ચડીને આવવાને કારણે તેમને થાક પણ લાગ્યો હતો અને હાંફ પણ ચડી હતી. એે સિવાય પોતે આમ અચાનક ડીસીપી પાંડેની ઑફિસમાં ધસી આવ્યાં એટલે તે શું માનશે એવો ઉચાટ હતો એ પણ સહેજ શમ્યો હતો.

ડીસીપી પાંડેને પહેલી વાર મળ્યાં હતાં ત્યારે તેમના માટે મનમાં જે ભય ઉપસ્થિત થયો હતો અને તેમના અક્કડપણને કારણે જે અવિશ્વાસની લાગણી જન્મી હતી એ તો ક્યારનીયે ગાયબ થઈ ગઈ હતી. કાન્તાબેનને સમજાઈ ગયું હતું કે ડીસીપી પાંડે વાહિયાત વાત ચલાવી ન લે કે ખોટેખોટાં આશ્વાસન ન આપે એેવી વ્યક્તિ હતા. તેમના પદને જાતાં કોઈ તેમની નજીક જઈ વધુપડતો અંગત સંબંધ ન બાંધે એની તકેદારી રાખતા હોય એવું લાગતું હતું. ઘરોબો કેળવી તેમની પાસે અયોગ્ય માગણી ન કરી શકાય એ વાત વિના કહ્યે તેમના વ્યક્તિત્વમાંથી જ સામેની વ્યક્તિ સુધી પહોંચી જતી હતી.

સળ વિનાનો ખાખી યુનિફૉર્મ, ટેબલ પર પડેલી પોલીસકૅપ અને બન્ને બાજુ પિત્તળવાળો સિસમના રંગનો ડંડૂકો, તેમનો ખરજવાળો ધીમો અવાજ ડીસીપી પાંડે પ્રત્યે ભયમિશ્રિત આકર્ષણ જન્માવે એવો લાગતો હતો. ડીસીપી પાંડે ધીમા અવાજે અને ઓછું બોલતા હતા. તેમનો એક-એક શબ્દ વજનદાર લાગતો. દરેક શબ્દ જાણે પોતાના અર્થને ઊંચકીને સંતુલન જાળવતો ચાલતો હોય એવી અનુભૂતિ સાંભળનારને થતી. કાન્તાબેનને લાગતું કે ડીસીપી પાંડેની જબાન કરતાં તેની આંખો વધુ બોલતી હતી.

ડીસીપી પાંડે રિસીવર મૂકીને તેમની આદત મુજબ મૌન બેસી રહ્યા, પણ કાન્તાબેન તેમની આંખોની ભાષા ઉકેલી શક્યા. તેમણે તેમની નજર વડે જ કાન્તાબેનને પૂછ્યું, ‘બોલો, શું હતું?’ પણ પછી અચાનક પોતાને જ યાદ આવ્યું હોય એમ કાન્તાબેન આ સવાલનો જવાબ આપે તે પહેલાં પોતે જ બોલ્યાઃ

‘આપકે કેસ મેં કાફી પ્રોગ્રેસ હુઆ હૈ. શાયદ એકાદ હપ્તે મેં હમ અપરાધીઓં તક પહોંચ પાએેગે ઐસા લગતા હૈ.’

‘ખરેખર?’ કાન્તાબેનથી બોલાઈ જવાયું.

તો શું ખરેખર ચંદ્રને બેરહમીથી મારી નાખનારાઓ પકડાઈ જશે? કાન્તાબેનને માન્યામાં નહોતું આવતું. કોણ છે એ લોકો અને તેમણે શા માટે તેમની હત્યા કરી? શું હેતુ હતો તેમનો ચંદ્ર જેવા કીડીને પણ ન મારાનારા અહિંસક માણસને આમ મારી નાખવાનો? કાન્તાબેનના મનમાં ફરી-ફરીને એ સવાલો ધસારો કરી રહ્યા હતા.

કાન્તાબેન ખુશી અને પીડાની લાગણી એકસામટી અનુભવી રહ્યાં હતાં. છેવટે તે ઓ ચંદ્રના હત્યારાઓ સુધી પહોંચી શકશે એનો હાશકારો હતો તો બીજી બાજુ એ આખું દૃશ્ય જે તેઓ ક્યારેય ભૂલી શકવાનાં નહોતાં એ તેમની નજર સામે તાદૃશ થઈ ગયું. ચંદ્રનું લોહીથી લથપથ માથું...

પોતાની લાગણી ઓને કાબૂમાં રાખવા મથતાં કાન્તાબેન ધ્રૂજતા અવાજે પૂછ્યું, ‘કોણ છે એ લોકો... અને શું કામ...’

‘થોડી ધીરજ રાખવી પડશે તમારે. સમય આવ્યે હું તમને બોલાવીશ.’ કાન્તાબેનને થયું કે કદાચ પહેલી વાર તેમણે પાંડેના ચહેરા પર કોઈક પ્રકારના ભાવ જોયા હતા. કાન્તાબેનને માહિતી આપવામાં તેમણે ઉતાવળ કરી નાખી હોય એવી પસ્તાવાની લાગણી ડીસીપી પાંડેના ચહેરા પર હતી.

‘તમારે મારું કંઈ કામ હતું?’ પોતાની ભૂલ સુધારવા મથતા હોય એમ પાંડેએ પૂછ્યું ત્યારે કાન્તાબેનને યાદ આવ્યું કે તે પોતે તો જુદા જ કારણસર અહીં આવ્યાં હતાં.

‘સાહેબ, હું જરા મુશ્કેલીમાં મુકાઈ છું. આમ તો મારે તમને આવી વાત માટે હેરાન ન કરવા જાઈએ, પણ સાચું કહું તો અહીંથી પસાર થતી હતી અને તમારી ઑફિસ જાઈ તો થયું કે તમારી સલાહ લઉં. માફ કરજો, તમને હેરાન કર્યા હોય તો...’ કાન્તાબેન હિંમત કરી ડીસીપી પાંડેની ઑફિસ સુધી પહોંચી તો ગયાં હતાં પણ હવે આ વાત કરવી જાઈએ કે નહીં અને કરવી તો કેવી રીતે કરવી એની ગડ તેમને બેસતી નહોતી.

ડીસીપી પાંડે કશું બોલ્યા નહીં. તેમણે ફક્ત કાન્તાબેન પર નજર માંડી. એ આંખોમાં સહાનુભૂતિ હતી.

‘સાહેબ, કેવી રીતે કહું? પરિસ્થિતિ બહુ વિચિત્ર છે. મારાં પોતાનાં જ દીકરી અને જમાઈ ઘરમાં ઘૂસી ગયાં છે...’ કાન્તાબેનને પોતે ડૉક્ટર પાસે દવા કરાવવા ગયાં હોય અને ચેક-અપ માટે પોતાનાં જ અંગો ઉઘાડાં કરતી વખતે જે સંકોચ થતો હોય એવી લાગણી થઈ રહી હતી.

ગમે એટલી શરમ આવતી હોય પણ ડૉક્ટર પાસે નિર્વસ્ત્ર થવું જ પડે એમ મન મક્કમ કરીને કાન્તાબેને તમામ વિગત ડીસીપી પાંડે પાસે રજૂ કરી દીધી. નવીનચંદ્રના મૃત્યુ પછી શ્વેતા અને તેનો પતિ નીતિન અને બન્ને દીકરીઓ આવ્યાં હતાં અને ત્યારના અહીં જ ધામા નાખીને રહી પડ્યાં છે એનાથી માંડીને નીતિનકુમાર વિશે પણ ટૂંકમાં માહિતી આપી દીધી.

કાન્તાબેનની બધી જ વાત ડીસીપી પાંડેએ પણ કાબેલ ડૉક્ટરની તટસ્થતાથી ચૂપચાપ કોઈ પણ પ્રતિભાવ વિના સાંભળી લીધી અને પછી એક્ઝિક્યુટિવ ચૅરના બૅકરેસ્ટને અઢેલીને બેસી રહ્યા. તેમની નજર કાન્તાબેન પર જ હતી. કાન્તાબેનને ડીસીપી પાંડેની ચુપકીદીનો અનુભવ હતો, પણ હજી તેમને એેની આદત પડી નહોતી. વિશાïળ કૅબિનની નીરવ શાંતિમાં કાન્તાબેન ફરી એક વાર અસ્વસ્થતા અનુભવતાં હતાં, પણ એેને વ્યક્ત થયા દીધા વિના તેઓ પણ શાંત બેસી રહ્યાં.

‘તમારા બે દીકરાઓ છેને?’ ડીસીપી પાંડેએ પૂછ્યું. તેમનો આ સવાલ ફક્ત તેમની પાસે જે માહિતી હતી એ ચકાસવા માટે હતો કે પછી એ સૂચક હતો તે કાન્તાબેનને સમજાયું નહીં.

‘હા, પણ...’

‘તમારા પતિએ કોઈ વિલ બનાવ્યું છે?’

‘હા. વસિયત મુજબ તેમના મૃત્યુ પછી તેમની બધી મિલકત- આમ તો મિલકતમાં આ ફલૅટ જ છે અને બે લાખની ફિક્સ્ડ ડિપોઝિટ અને પેન્શન. એ બધું જ મને મળે અને જો મારું મૃત્યુ પહેલાં થયું હોત તો તેમને મળત. મેં મારું નવું વિલ હજી બનાવ્યું નથી...’

ફરી વાર ડીસીપી પાંડે ચૂપ થઈ ગયા. થોડી ક્ષણો પછી બોલ્યાઃ

‘સારું. જોઈશું.’

કાન્તાબેન ખુરશીમાંથી ઊભાં થઈ ગયાં.

‘સૉરી સાહેબ, તમને તકલીફ આપી...’ કાન્તાબેન ક્ષોભ અનુભવતાં હતાં.

પોલીસસ્ટેશનના પથ્થરના બનેલા જૂના મકાનના લાકડાના ઘસાઈ ગયેલા દાદરા કઠેડો પકડી-પકડીને ઊતરતાં કાન્તાબેનને લાગ્યું કે જાણે તેઓ કોઈ મોટો પહાડ ઊતરી રહ્યાં હોય. નીચે પહોંચતાં સુધીમાં તો તેમને કપાળ પર પરસેવો બાઝી ગયો હતો.

મનમાં વિચારોનો પ્રવાહ ધસમસતો આવી રહ્યો હતો. તેમનાથી કોઈ બહુ મોટો ગુનો થઈ ગયો હોય એમ તેઓ મનોમન પોતાની જાતને જ ગાળો ભાંડી રહ્યાં હતાં. જો પોતે કોઈ ન્યાયાધીશ હોત કે કોઈ સત્તાધારી અધિકારી તો તેમણે પોતાને જ આ અક્ષમ્ય અપરાધ માટે સજા ફરમાવી દીધી હોત.

‘શું જરૂર હતી ડીસીપી પાંડે પાસે જવાની? તેણે એક વાર મદદ શું કરી આમ તેની પાછળ પડી જવાનું? અને તે બિચારોય શું કરે? શ્વેતા પોતાની દીકરી હતી અને તેના પરિવાર સાથે ઘરમાં ઘૂસી ગઈ હતી તો એમાં આ યુવાન ડીસીપી શું કરે? કયા ગુનાસર તેને સજા કરે? પોલીસ અધિકારી પાસે જતાં પહેલાં કાન્તા તારે તો વિચારવું જાઈએ? એક તો બિચારો ચંદ્રની હત્યાના કેસમાં તને મદદ કરી રહ્ના છે. હવે બીજું શું કરે?’

હા, તે શું કહેતો હતો. ચંદ્રના હત્યારા સુધી પહોંચી ગયા છે. કોણ હશે એ લોકો? કોઈ પરિચિત, કોઈ સંબંધી કે કોઈ મિત્ર? મારે તેમને હત્યારા ઓ વિશે વધુ પૂછવું જાઈતું હતું. ના-ના, પણ તેણે જ કહ્યુંને કે અત્યારે નહીં કહી શકાય. હજી થોડી રાહ જાવી પડશે. કેટલી રાહ જાવી પડશે?

શું કરી શકાય આ નીતિનકુમારનું? તો શું આખી જિંદગી તેમની સાથે જ કાઢવી પડશે? કેસ, કેસ કરી શકાય? કોની સામે કેસ કરું? શ્વેતા પર? મારી પોતાની દીકરી પર? અને તે પણ આ હાલતમાં છે ત્યારે? હું તેના પર કેસ કરું ત્યારે તે તેના ઊપસી આવેલા પેટ સાથે કોર્ટમાં આવે...’ કાન્તાબેનના માનસપટ પર આ દૃશ્ય ઊપસી આવ્યું અને તેમની આંખ અનાયાસ મીંચાઈ ગઈ. આ વિચારમાત્રથી જ તેમને તમ્મર આવી ગયાં.

ડી. એન. રોડ પરની જૂની ઇમારતોની વચ્ચેથી પસાર થઈ રહેલાં કાન્તાબેન એક મલ્ટિનૅશનલ બૅન્કનાં પગથિયાં પર બેસી પડ્યાં. બૅન્કનો કાચનો દરવાજા ખૂલવાને કારણે અંદરના એરકન્ડિશનરની ઠંડક બહાર ધસી આવી. એ ઠંડકથી કાન્તાબેનને સારું લાગ્યું, પણ એટલી વારમાં તો બ્લુ ડ્રેસ પરિધાન કરેલો સલામતી રક્ષક તેમની પાસે દોડી આવ્યો.

‘ ઓ માજી, ચલો ચલો... ઇધર નહીં બૈઠ સકતા...’

કાન્તાબેન તેને કહેવા માગતાં હતાં કે મને ખબર છે કે આ વિદેશી બૅન્ક છે જે અમને ફરી વાર ગુલામ બનાવવા આવી છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ગુલામીમાંથી તો ગાંધીજીએ અમને મુક્ત કરાવ્યા હતા; પણ આ લોકો તો સાધન-સગવડના આદિ બનાવી-બનાવીને અમારા મનને, અમારા આખા અસ્તિત્વને ગુલામ બનાવી રહ્યા છે અને દૂર-દૂર નજર નાખતાં એકાદો ગાંધી તો શું તેમની સરખામણીમાં વેંતિયો ગણી શકાય એવો માણસ પણ નજરે પડતો નથી જે અમને આમાંથી મુક્ત થવાનો રસ્તો દેખાડી શકે.

કાન્તાબેન ચૂપચાપ પગથિયાં પરથી ઊભાં થઈ ગયાં. તેમનામાં બોલવાની શક્તિ જ નહોતી અને કદાચ હોત તો પણ તેઓ કંઈ બોલ્યાં હોત કે નહીં એની તેમને જ ખબર નહોતી.

સાડીના છેડા વડે કપાળ પર બાઝેલો પસીનો લૂછતાં-લૂછતાં તેઓ રસ્તા પર આવ્યાં. સામેની તરફથી સ્ત્રી-પુરુષો ઝડપથી આવી રહ્યાં હતાં. ખભે પર્સ લટકાવીને ઝડપથી ઘરે પહોંચવા માટે ચાલતી હોવા છતાં દોડતી હોય એમ જ લાગે એવી નોકરિયાત સ્ત્રીઓ અને વાતો કરતાં-કરતાં વી.ટી. સ્ટેશન તરફ પુરુષો જઈ રહ્યાં હતાં.

કાન્તાબેનને લાગ્યું કે હવે એક ડગલું પણ કદાચ માંડી નહીં શકાય. તેમણે આજુબાજુ નજર કરી. બે-ચાર ફર્લાંગ દૂર એક ટૅક્સી ઊભી હતી. તેમણે પ્રયત્નપૂર્વક ડગલું માંડ્યું. ટૅક્સી સુધી પહોંચવામાં જાણે જોજનો કાપવા પડ્યા હોય એવું કાન્તાબેનને લાગ્યું. ટૅક્સી ખાલી જ હતી. કાન્તાબેને મહામહેનતે પાછળના દરવાજાનું હૅન્ડલ પકડ્યું અને દરવાજા ખોલ્યો.

‘કિધર જાના હૈ?’ ટૅક્સીડ્રાઇવરે તોછડા અવાજમાં પૂછ્યું.

‘ચર્ચગેટ.’ કાન્તાબેન ટૅક્સીમાં બેસતાં બોલ્યાં.

‘ચક્.......’ ટૅક્સીડ્રાઇવરે ના પાડવા માટે ડચકારો કર્યો.

‘દેખો, મેરા તબિયત ઠીક નહીં હૈ...’

‘તો મૈં ક્યા કરું? તુમ દૂસરા ટૅક્સી દેખો...’ ટૅક્સીડ્રાઇવરે સાવ નફ્ફટતાથી કહ્યું.

‘કાય રે... ક્યા હૈ રે... મીટર ઉપર હૈ ના તેરા? કૈસે નહી જાએગા? હં... નિકલ, તું બહાર નિકલ.’ કોઈ યુવાને ટૅક્સીડ્રાઇવરને બારીમાંથી હાથ નાખી કૉલરમાંથી ઝાલ્યો હતો.

‘દિખાઈ નહીં દેતા હૈ તેરેકુ. સાલા, દિખાઈ નહીં દેતા હૈ. યે બુઢી ઔરત કા તબિયત ઠીક નહીં હૈ. વો તેરેકુ બોલ રહી હૈ ના... ફિર ભી નાટક કરતા હૈ સાલે.’ તે યુવાને ટૅક્સીડ્રાઇવરને બે અડબોથ લગાવી દીધી હતી. અચાનક થયેલા આ પ્રહારથી ટૅક્સીડ્રાઇવર ગેંગેંફેંફેં કરતો હતો.

‘સાલા, આમચ્યા મુંબઈ મધે યેઉન બસલે આહેત ભૈયા લોક...’ યુવાન પોતાનો ગુસ્સો હાથ વડે ઠાલવી રહ્યો હતો. માર ખાઈ રહેલો ટેકસીડ્રાઇવર એકદમ મિયાંની મીંદડી થઈ ગયો હતો.

આ તમાશાને જાવા માટે ત્યાંથી પસાર થઈ રહેલા કેટલાય લોકો ઊભા રહી ગયા હતા.

‘તુમ બૈઠો આજી... એ ચલ રે... છોડ કે આ ઇનકો... ઔર દેખ, જ્યાદા નાટક નહીં કરને કા...’ ટૅક્સીડ્રાઇવર ડરી ગયો છે એે જાઈને પેલા યુવાનને વધુ ચાનક ચડી હતી.

અસ્પષ્ટ બબડતાં-બબડતાં ટૅક્સીડ્રાઇવરે મીટરનું ફ્લૅગ પાડી ટૅક્સી ચાલુ કરી. આખે રસ્તે ટૅક્સીડ્રાઇવરનો બબડાટ ચાલુ હતો, પણ કાન્તાબેન આંખ બંધ કરીને પાછળની સીટ પર બેસી રહ્યા. ટૅક્સીડ્રાઇવરનો અવાજ તેમના કાને પડતો હતો, પણ તે શું બોલતો હતો એનો અર્થ તેમના મગજ સુધી પહોંચતો નહોતો.

મહાવીર સદનના તેમના ઘર સુધી કાન્તાબેન કેવી રીતે પહોંચ્યાં એની તેમને પોતાને જ સરત ન રહી. તેમણે બેધ્યાનપણે બે-ત્રણ ડૉરબેલ વગાડી. ક્યાંય સુધી દરવાજા ન ખૂલ્યો એટલે તેમણે કડી પર હાથ ફેરવ્યો ત્યારે તેમના હાથમાં ગોદરેજનું લૉક આવ્યું.

શ્વેતા અને નીતિનકુમાર ડૉક્ટર પાસે જવાનાં હતાં. કાન્તાબેને તેમને વાત કરતા સાંભળ્યાં હતાં. કાન્તાબેને ચાવી વડે ઘર ખોલ્યું. ઘર અસ્તવ્યસ્ત હતું, પણ ઘરમાં નીરવ શાંતિ હતી.

ચંદ્રના ગયા પછી પહેલી વાર તેઓ પોતાના ઘરમાં આ રીતે એકલાં પડ્યાં હતાં. તેમણે સોફા પર લગભગ પડતું મૂક્યું. એ અંધારા ઓરડામાં તેમણે પોતાની જાતને કહ્યું, ‘કોઈ ગમે તે કહે કાન્તા, હું તો અહીં એકલી જ રહીશ; પછી એ માટે મારે ગમે એટલી કિંમત કેમ ન ચૂકવવી પડે.’

***

રેટ કરો અને રિવ્યુ આપો

Harsha Davawalla

Harsha Davawalla 1 વર્ષ પહેલા

Daxa

Daxa 1 વર્ષ પહેલા

Darshana Khunt

Darshana Khunt 1 વર્ષ પહેલા

Nisha Manish Parekh

Nisha Manish Parekh 1 વર્ષ પહેલા

Jayant

Jayant 1 વર્ષ પહેલા