નિયતિ ૨

પ્રકરણ ૨ 

જે કંપનીએ ક્રિષ્નાને અહિં ટ્રેઇનિંગ માટે બોલાવેલી એણે બીજી ચાર છોકરીઓને પણ ક્રિષ્નાની સાથે બોલાવી હતી. એ બધાને રહેવા માટે એક ઇમારતમાં એક એક રુમ અલગથી ફાળવેલી હતી. ક્રિષ્નાની સાથેની બાકીની બધી છોકરીઓ દક્ષિણ ભારતની (સાઉથ ઇન્ડિયન) હતી. ક્રિષ્નાને એ લોકોની સાથે અંગ્રેજીમાં જ વાત કર​વી પડતી. એ લોકો હંમેશા એમની માત્રુભાષામાં જ વાત કરતા, ક્રિષ્નાને એમાં એક અક્ષરેય સમજાતો નહિં. એની બાજુની રુમમાં રહેતી છોકરી, આસ્થાને થોડું થોડું હિન્દી આવડતું હતું અને એ સ્વભાવની પણ સારી હતી, ક્રિષ્ના ફક્ત એની સાથે થોડી વાતો કરી શકતી.
બેંગલોર આવ્યાને આજે સાત દિવસ થ​ઈ ગયા હતા. આગળના ત્રણ દિવસતો મમ્મી-પપ્પા સાથે સરળતાથી પસાર થઈ ગયેલા. એમની સાથે એ છેક ઊંટી સુંધી ફરી પણ આવેલી!  એમના અમદાવાદ પાછા ગયા બાદ ક્રિષ્ના થોડી ઉદાસ હતી.... ઘર પરિવારથી દૂર, એ એકલી પડી ગયેલી. પાર્થનો ફોન રોજ સાંજે આવતો પણ એની સાથે ક્રિષ્ના પોતાનું મન ખોલીને વાત ના કરી શકતી!  પાર્થને જો જરાક પણ એવું લાગે કે ક્રિષ્ના સહેજ તકલીફમાં છે તો એ એને એક ઘડી પણ અહિં ટક​વા ના દે!  મમ્મી પપ્પાની આગળ અહિંની વાત કરીને એ એમને દુખી કરવા નહતી ઇચ્છતી!  અહિં આવ​વાનો નિર્ણય એનો પોતાનો હતો અને એ માટે એણે આવી નાની નાની તકલીફો વેઠ​વી જ રહી..! આવું બધું વિચારી એ પોતાના મનને મનાવ​વાનો પ્રયાસ કરી રહી હતી અને ઘણે અંશે સફળ પણ થઈ હતી.

પાંચે છોકરીઓ માટે મેશમાં જમ​વાની વ્ય​વસ્થા હતી. સ​વારે ચા-કોફી સાથે નાસ્તો અને બે સમયનુ જમ​વાનું ત્યાં જ મળતું. પહેલા દિવસે ક્રિષ્નાએ નાસ્તામાં એક ઢોંસો લીધેલો સાથે ચા, બપોરના જમ​વામાં ભાત, રસમ(દાળની પતલી પાણી જેવી એક વાનગી), બે શાક અને રોટલી હતા. સાંજના જમ​વામાં પણ એની એ જ વાનગીઓ રહેતી. બધા લોકો ટેસથી જમતા, ફક્ત ક્રિષ્નાને કોળીયો ગળે ભરાઈ રહેતો.... એને એકેય વસ્તુ ભાવતી નહી સિવાય કે, ઢોંસા અને ઇડલી! 

બીજા દિવસે, ત્રીજા દિવસે... એમ કહો કે રોજે રોજ જમવાનું એનું એજ રહેતું, કોઈ ફરક નહીં. સ​વારના નાસ્તામાં કોઇ વખત ઇડલી, તો કોઇ વખત ઢોંસા કે મેંદુવડા મળતા એ ક્રિષ્નાને ભાવેલા પણ રોજ એનું એજ ખાઇને હવે ક્રિષ્નાનો એમાથીયે રસ ઉઠી ગયેલો... ખાટલે મોટી ખોડ એ હતી કે ક્રિષ્ના સિવાયના બધા લોકો આરામથી જમી લેતા હતા, કોઇને કોઇ વાંધો જ ન હતો! 
ક્રિષ્નાને થતું કે, ખરેખર ગુજરાતીઓ જેટલી ખાવાની શોખીન પ્રજા બીજી કોઇ નહી હોય!  એક સીધીસાધી ગુજરાતી થાળી જ જોઇલો એમાં તમને તીખું, ખાટું, ગળ્યું બધું એક સાથે જ અલગ અલગ શાક-વાનગીના રુપમાં જોવા મળી જાય. રોટલી ખાઓ કે ભાખરી, પરોઠા લો કે થેપલા, કોઇ વળી બાજરીના રોટલા પર પણ પસંદગી ઉતારે!  સાથે ચટાકેદાર ફરસાણ, ભરેલા મરચા, પાપડ, અથાણું તો ખરું જ!  છેલ્લે એક ગ્લાસ મસાલા છાસ ઘટઘટાવતા ગુજરાતીને જોઇને તો એવું લાગે જાણે, એને અહિં જ સ્વર્ગ મળી ગયું હોય! 

બિચારી ક્રિષ્ના, ઘરે તો રોજ રોજ મમ્મીનો જીવ ખાતી, સમયસર ક્યારેય જમ​વા ના બેસતી! રોજ મમ્મી પાસે એને ભાવતી વાનગી જ બનાવવા આગ્રહ કરતી.  જો ક્યારેક એને ભાવતી હોય એવી વાનગી ના બની હોય તો એ આખો દિવસ એ મોંઢું ફુલાવીને ફરતી! કોઇક વાર જો જશોદાબેન સાંજે ખાલી ખિચડી- કઢી બનાવી દે તો ક્રિષ્ના એના પપ્પા સાથે રાત્રે બહાર જ​ઈને પાણીપુરી કે આઇસક્રીમ ખાઇને આવતી! આજે એને મમ્મીના હાથની ખિચડી યાદ આવી ગઈ... જો હાલ મમ્મી થાળી પિરસીદે તો જે બનાવ્યું હોય એ કંઇ પણ બોલ્યા વગર  ખુશી ખુશી એ ખાઇ લેવા તૈયાર હતી!  આટલા વરસે આજે પહેલીવાર એને પોતાની જાત પર ગુસ્સો આવતો હતો, મમ્મીને ખાવાની બાબતે પોતે આટલો હેરાન કરેલી એટલે જ અત્યારે ભગવાને એને આ સજા કરી, એવું એનું મન કહી રહ્યું! એણે પોતાની જાતને વચન આપ્યુ કે આજ પછી ક્યારેય એ મમ્મીની બનાવેલી કોઇ વાનગી નાપસંદ નહી કરે!  હંમેશા સમયસર જમી લેશે! ક્યારેય મમ્મી આગળ કોઈ વાનગી બાબત જીદ નહિ કરે!

સ​વારે ન​વ વાગે તૈયાર થઈ ક્રિષ્ના આસ્થા સાથે એની ઓફિસે જવા નિકળી હતી. ઓફિસ બહુ દૂર ન હતી છતાં પહેલા જ દિવસે મોડું ના થાય એટલે એ આસ્થા સાથે રિક્ષામાં ગયેલી. આસ્થા કેરાલાથી અહિં આવી હતી. બાકીની ત્રણે છોકરીઓ કર્ણાટકની જ હતી. સરિતા, માધુરી અને શિવાની એ ત્રણેમાંથી બે પાસે પોતાના સાધનો(સ્કુટી) હતા. આજ સુંધી એ લોકોને કંપની તરફથી ફક્ત મૌખીક માહિતી આપ​વામાં આવેલી, આજથી એ લોકોની સાચી ટ્રેઈનીંગ શરુ થતી હતી.

બધી છોકરીઓને એમના અલગ ટેબલ અને કોમ્પ્યુટર આપેલા હતા. એમને જે કામ કર​વાનું હતું એ કોમ્પ્યુટર પર જ કર​વાનુ હતું. ક્રિષ્ના એના ટેબલ પર બેઠી ને તરત એનું કામ ચાલુ કરી દીધું. લગભગ બે કલાકની મથામણ પછી એનું કામ સફળતાથી પુરુ થયું. એમના સાહેબ શ્રીવિજ્યાસ્વામીને ક્રિષ્નાએ એમની કેબીનમાં જ​ઈને, એનું કામ થ​ઈ ગયાનું જણાવેલુ .

એ ક્રિષ્ના પર ખુશ થયા. 
“વન્ડરફુલ ક્રિષ્ના!” શ્રીવિજ્યાસ્વામીએ કહ્યું.
“થેંક્યુ સર!” કહીને ક્રિષ્ના એની જગાએ પાછી ફરી.

“એક​વાર જલદી કામ પતી ગયું એટલે એમ ના માનતી કે તું એકલીજ બહું હોંશિયાર છે, હુંહ!” શિવાનીએ એની આંખો નચાવી અત્યંત રુક્ષ સ્વરે અંગ્રેજીમાં ટકોર કરી.

પાંચ ફુટ અગિયાર ઇંચ ઊંચી, ઘઊવર્ણાથી સહેજ વધારે કાળી, પતલી સોટા જેવી શિવાની એના થોડાક વધારે લાંબા, બહાર નીકળી આવતા દાંત કચકચાવીને બોલેલી... ત્યારે એને જોઇને ક્રિષ્નાને અચાનક મહાભારતની પુતના યાદ આવી ગઈ!

“હોય યાર! સરે એને થોડી મદદ કરી હશે, એ આપણામાં સૌથી વધારે ધોળી ચામડી વાળી ખરીને....” જાડી સરિતા એ એના વાંકળીયા વાળને ભેગા કરીને એક રબરબેંડ ભરાવતા કહ્યું.

ક્યારનીયે ચુપ બેઠેલી માધુરી જાણે સરિતાએ કોઇ મોટી જોક મારી હોય એમ જોર જોરથી હસી પડી. એના ગોળ મટોળ મોંઢાં ઉપર પહેરેલા ગોળ ચશ્મા કૈક વિચિત્ર રીતે હલી રહ્યા. એના દાંત ઉપરના સ્ટીલના બ્રીશલ્શ એના ફિક્કા, પીળા ચહેરા પર ઉડીને આંખે વળગતા હતા... એનું સમગ્ર શરીર એના હસવાથી ધ્રુજી રહ્યુ હતું, એના શરીરના તાલે એના ભુખરા, ટુંકા વાળ પણ જુલી રહેલા! 

એક જ ક્ષણમાં ક્રિષ્નાનો બધો આનંદ ઓશરી ગયો!  કોઇ એક સ્ત્રી બીજી સ્ત્રી વિશે આટલી ગંદી વાત કેવી રીતે કરી શકે? એય તે એની સામે... એના સાંભળતા? ક્રિષ્ના અંદરથી સળગી રહી. મનમાં તો થયું કે જઈને પેલી પુતનાને અને સરિતાને ખેંચીને એક એક તમાચો લગાવી દે!  માંડ માંડ એણે પોતાની જાત ઉપર કાબુ રાખ્યો ને શિવાનીના ટેબલ પાસે જ​ઈને, જરા ગરમ અવાજે કહ્યું, 

“તારો વાંધો શું છે મને ઘણી વખત લાગ્યું કે તમે લોકો મારા પર કોઇ ને કોઇ જોક મારીને મારી મજાક ઉડાવતા હો.... મને તમારી ભાષા નથી સમજાતી એટલે હું ચુપ રહી. પણ, આજે તો તે મને બરોબર સમજાય એમ અંગ્રેજીમાં કહ્યું, કેમ તને શું લાગે છે તું ગમે તેમ બોલીશ ને હું ચુપ રહીશ?"

શિવાની એની જગાએથી ઉભી થ​ઈ અને ક્રિષ્નાની સામે, એની લગોલગ એવી રીતે ઊભી રહી. જાણે એ એના વિશાળ કદ આગળ ક્રિષ્નાને નીચી દેખાડ​વા માંગતી હોય! ક્રિષ્ના એની આગળ એક પાંચ ફુટ ત્રણ ઇંચની નાનકડી ઢિંગલી જેવી લાગતી હતી. પેલી પુતના એના બે પ્રમાણમાં વધારે લાંબા હાથને એની કમરે ટેક​વી સીધી ઊભી હતી. એના મોં ઉપર વીજેતા જેવું સ્મિત રમી રહ્યુ હતું. એના હોઠમાંથી બહાર ડોકાઈ આવતા દાંત અચાનક જાણે વધારે ચમકી રહ્યા.... 

“તે મને કંઈ કહ્યું?” એણે જાણે કંઈ બન્યું જ ના હોય એમ શાંતિથી પુછ્યું.

પાછળ બાકીની બધી છોકરીઓ જાણે હવે કંઇક અતિ રોમાંચક ઘટના બનવાની હોય અને એમાં એમની હાજરી કે એમનું એ ઘટનાને જોવાનું અતિ આવશ્યક હોય એમ એક નાનકડું ટોળું બનાવીને તમાશો જોવા ઊભી રહી ગયેલી.

“હે છોકરીઓ, શું ચાલે છે ત્યાં? તમારી જગાએ જ​ઈને બેસો દરેક.” પટાવાળાએ આવીને આ બધી છોકરીઓને ટોળે વળીને ઉભેલી જોતા કંટાળા ભર્યા અવાજે કહેલું અને બધાને એમની જગાએ મોકલ્યા.

ક્રિષ્ના સમસમીને રહી ગ​ઈ. બપોરના લંચબ્રેકનો સમય થતા બધા બહાર નીકળ્યા. જમ​વા માટે પાછા મેશમાં જ​વાની ક્રિષ્નાની જરાયે ઇચ્છા ન હતી. આમેય એનો ખાવાનો જરીકે મુડ ન હતો. એ એકલી ઓફિસની બહાર નીકળી. બહાર રોડની બન્ને બાજુ એ આલિશાન દુકાનો આવેલી હતી. મુડ ઠીક કર​વા એ એક સ્ત્રીઓના કપડાની દુકાનમાં ઘુસી ગ​ઈ. 

જેવું બધી દુકાનોમાં હોય છે એવું જ ત્યાં પણ હતું. સુંદર આકાર, શરીરનો સુંદર આકાર ધરાવતી છોકરીઓના પૂતળાને મૂલ્યવાન કપડાં પહેરાવી બહાર ઊભી કરાયેલી જે ત્યાંથી પસાર થતી દરેક સ્ત્રીને વગર બોલે જ એના જેવા કપડાં ખરીદવા અને એના જેવી સુંદર દેખાવા લલચાવતી. કેટલીક ભોળી સ્ત્રીઓ એ બહાર ઊભેલા પૂતળા જોઈને એના જેવો જ ડ્રેસ પસંદ કરતી અને હોંશે હોંશે ટ્રાયલ રૂમમાં જતી ત્યારે એમને એમની કમર અને નિતંબ જરાક વધી ગયા હોવાનું યાદ આવતું. ક્રિષ્નાની કમર પાતળી જ હતી એટલે એણે એ બાબતે હાલ ચિંતા નહતી કરવાની. એણે અંદર પ્રવેશીને કેટલાક કુર્તા જોયા. બધા અત્યારની ફેશનને અનુરૂપ હતા. ક્રિષ્નાને કુર્તા તો પસંદ આવ્યા પણ એ પછીનું સૌથી મહત્ત્વનું પગલું એ કુર્તાની કિંમત જોવાનું  હતું. ક્રિષ્નાને લાગ્યું કે એ બધાનો ભાવ અમદાવાદની સરખામણીએ ચાર ઘણો હતો. હજી એ પપ્પાના આપેલા રૂપિયા પર નિર્ભર હતી અને હાલ એની પાસે પૂરતા પ્રમાણમાં કપડાં છે જ નવા ખરીદવાની કોઈ જરૂર નથી. આવા વિચાર આવવા લાગતા એણે હાથમાં પકડી રાખેલા કુર્તા પાછા મુકી દીધા. એની તરફ આશાભરી નજરે જોઈ રહેલી સેલ્સ ગર્લે પરાણે એક સ્મિત ફરકાવી એનો સમય વેડફ્યા વગર બહાર જવાનો જાણે ઈશારો કર્યો. વળતું એક મસ્તિભર્યું સ્મિત આપીને બહાર જવા નીકળી.

ક્રિષ્નાએ ઘડીયાલમાં એક નજર ફેંકી હજી એની પાસે દસેક મિનિટનો સમય હતો. એ દુકાનની બહાર આવી ત્યાં દરવાજે એક સ્ટેંન્ડ ઉપર કેટલાક અંગ્રેજી છાપા મુકેલા હતા. ક્રિષ્નાએ એમાથી એક ઉઠાવ્યું. થોડી થોડી નજર દરેક સમાચારની લીટી પર નાખતી એ પાના પલટે જતી હતી. ગુજરાતી છાછે જેવી મજા અંગ્રેજી છાપામાં ન આવી. છેલ્લા પાને આવેલા એક રમુજી ચિત્ર પર એની નજર ચોંટી ગ​ઈ.

રંગ વગરનું એક સ્કેચ દોરેલુ હતું. એમા એક યુવતી લપસી પડ​વા જેવી બતાવેલી, એક યુવાન એની મદદ માટે હાથ લંબાવતો બતાવેલો અને પેલી યુવતી પેલા યુવકને અવગણીને, મોઢું ફેરવીને આગળ જતી હોય એવુ કંઇ એમા રમુજી ઢબે દોરેલું. એ ચિત્રની નીચે લખાણ હતુ અંગ્રેજીમાં, 

“આ છોકરીએ આભાર માન​વો જોઇએ કે મોં મચકોડ​વું જોઇએ....ભલાઇનો જમાનો જ નથી!!” 

ક્રિષ્નાને થયું કે એ કાર્ટુનમાં બતાવેલી યુવતી એ પોતે જ છે... એણે ધારી ને ફરીથી જોયુ એ છોકરીના કપડા, દેખાવ બધું એને મળતું આવતુ હતું. 
ત્યાં જ એના આગલા દિવસનું છાપુ પણ હતું. ક્રિષ્નાએ એ ઉઠાવી એનુ છેલ્લું પાનુ જોયું. અહિં એક યુવતી બગીચાના ઘાસ ઉપર ઉભી ઉભી સેલ્ફી લેતી હતી અને એની બાજુમા જ એક પાટિયા પર લખાણ હતું, 
“આ ઘાસ પર ચાલ​વું નહિ. અહિં ફોટો લેવાની મનાઇ છે.”
ચિત્રની નીચે લખાણ હતું, “શું આટલી મોર્ડન દેખાતી છોકરી અભણ હશે?..?..?”

આ યુવતીનું ચિત્ર પણ બિલકુલ ક્રિષ્ના જેવું જ હતું!  હવે ક્રિષ્નાને બરોબર યાદ આવ્યુ જે જે અહિં કાર્ટુનમાં બતાવેલુ એવું સાચેજ એણે કરેલું, અલબત અજાણતામાં પણ, એને અહિં કયા ચાંપલા એ મુકી દીધું? ક્રિષ્નાનું મગજ તપી ગયું. એણે એ કાર્ટુનીસ્ટનું નામ જોયું ને મનોમન યાદ રાખી લીધું. એ છાપાનું નામ પણ યાદ રહી ગયું. ઓફિસે પાછા વળતા આખા રસ્તે એ બસ એકજ નામ રટતી રહી ,
“મુરલી...મુરલી...મુરલીપ્રસાદ...”
ત્રણ અક્ષરનું આ નામ એના શાંત જીવનમાં વાવાજોડું બનીને ત્રાટક​વાનું હતુ એ વાતથી તદ્દન અજાણ ક્રિષ્ના મુરલીને શોધ​વાનો પ્રયત્ન કર​વાની હતી, ને દૂર... દૂર ક્યાંક નિયતિ એને જોઇને મલકાઇ રહી હતી!

***

રેટ કરો અને રિવ્યુ આપો

Chintan n

Chintan n 10 માસ પહેલા

Parul Satikuvar

Parul Satikuvar 11 માસ પહેલા

Raashi

Raashi 11 માસ પહેલા

ashit mehta

ashit mehta 11 માસ પહેલા

Minal Sevak

Minal Sevak 11 માસ પહેલા