બદલાવ - 15

બદલાવ-15

               નરોતમ આ સાંભળી નવાઇ પામ્યોં.કારણકે આ અવાજ એના બનેવી અજયનો હતો.અજયનાં શરીરમાં રહેલો સોમુ દોડીને અંદર આવતો હતો.અજયનું શરીર જોઇ એક ક્ષણ માટે નરોતમને મનમાં આંચકો લાગ્યોં.એ આંચકાથી એનાં હાથ હવામાં જ સ્થીર રહ્યાં.નીચે બેસી આ બધુ જોઇ રહેલા અજયે સોમુનાં શરીરની પુરી તાકાત અને પોતાની પુરી હિંમત એકઠી કરી નીચે પડેલી એક તલવાર ઉઠાવી.ક્ષણવારનો વિલંબ કર્યાં વગર એક જ ઝાટકે તલવાર નરોતમનાં પેટમાં ઘુસાડી દીધી.પાછળથી નીકળેલો તલવારનો લોહીથી ખરડાયેલો હિસ્સો આકાશીદેવીએ જોયો.નરોતમનાં લોહીની એક પીચકારી ઉડી.એણે એક કારમી ચીસ નાંખી.અજય તરત જ રૂપાને ઢસડીને ત્યાંથી દસ ડગલા દુર ખસ્યોં.ક્રુર નરોતમ હજુ પણ પોતાના ઝનુનથી જેવો આગળ વધવા ગયો કે તરત જ આકાશીદેવી નીચે ઉતરીને નરોતમની પાછળ ઉભી રહી. એણે એક હાથે ડાબી તરફનાં  ખભાથી નરોતમને પકડયોં.આકાશીદેવીનાં નખ નરોતમનાં ખભામાં ખુંચી ગયા.ત્યાંથી પણ લોહીની ધાર વહી.નરોતમનાં લોહીથી ગુસ્સે ભરાયેલી આકાશીદેવીએ એક જોરદાર ત્રાડ પાડી.એ ત્રાડથી આખી ગુફાની તમામ સજીવ અને નિર્જીવ વસ્તુઓ ધ્રુજી ઉઠી.પેલી બંને ખોપડીઓ હવામાં ઉડી ગુફાની બહાર નીકળી ગઇ.રૂપા અચાનક લાગેલા ઝટકાથી સંમોહન નીંદ્રામાંથી બહાર આવી.પણ આકાશીદેવીનાં સફેદ પ્રકાશે એની આંખો અંજાઇ ગઇ અને આપમેળે બંધ થઇ.આકાશીદેવીએ જમણાં હાથે નરોતમનું માથુ પકડયું.પેટમાં ખુંચેલી તલવાર અને ખભામાં ખુંચેલા તલવાર જેવા જ આકાશીદેવીનાં નખથી નરોતમ કોઇ પ્રતીકાર કરી શકવાની સ્થીતીમાં ન હતો.વિભુતિનાથ પણ આ મહાશકિતશાળી અને વિકરાળ દેવી સામે લાચાર હતા.એમનાં સાધેલા ભૈરવો અને પ્રેતોએ તો જેમ જંગલમાં સિંહ આવે તો હરણ ભાગી જાય એમ ગુફા છોડી દીધી હતી.નરોતમનાં મુખમાંથી છેલ્લા શબ્દો નીકળ્યાં “ક્ષમા દેવી, ક્ષમા.” જે બધાએ સાંભળ્યાં પણ આકાશીદેવીએ ન સાંભળ્યાં.એણે એક જ વારમાં જેમ કોઇ કેળાની છાલ ઉતારે એમ નરોતમનું માથુ એનાં શરીર પરથી ઉતારી લીધું.હવે પછીનું લોહીનું એક પણ ટીપુ આકાશીદેવીએ નીચે જમીન પર ન પડવા દીધું.નરોતમનું બધું લોહી એ પીય ગઇ.માથા વગરનું નરોતમનું શરીર ખાલી થયું.લોહીથી ખરડાયેલા આકાશીદેવીનાં મુખે ચારેતરફ દ્રષ્ટી કરી.એક જોરદાર અટ્ટાહાસ્ય કર્યું.પછી નરોતમનાં શરીરને ભુખ્યાં વરૂની જેમ ખાવા લાગી.જેમ જેમ એ નરોતમનું શરીર ખાતી ગઇ તેમ તેમ એક એક કોળીયે એનાં નખ અને દાંત લાંબા થવા લાગ્યાં.એની આખી કાયા રાક્ષસી થવા લાગી.અજય એનું આ રૂપ જોઇ વિચલીત થવા લાગ્યોં.પોતે હવે પાગલ થઇ જશે એવો અનુભવ થવા લાગ્યોં.ત્યાં જ એનાં ખભે પાછળથી કોઇએ હાથ મુકયોં.એ હાથ દ્વારા અજયને તરત જ શાંતિનો અનુભવ થયો.એણે પાછળ જોયું તો અલગારીનાથ ઉભા હતા.એમનાં એક હાથમાં ફરસી હતી.પણ ચહેરા પર સોમ્યતા અને હાસ્ય ધારણ કરેલા હતા.એમનાં મુખેથી શબ્દો પણ એવાં જ નીકળ્યાં “અજય.....બેટા, તું કંઇ ચીંતા ન કરતો.અને કંઇ બોલતો પણ નહિં.હું તારી પાછળ ઉભો છું.બધું સંભાળી લઇશ.” અજયને આજે જાણે અલગારીનાથનાં સ્વરૂપમાં એક પિતા,એક ગુરુ અને સાક્ષાત તારણહાર ભગવાન મળ્યાં હોય એવી ધરપત મળી.એટલે એ થોડી હિંમતમાં આવી અડીખમ ઉભો રહ્યોં.નરોતમનાં શરીરનાં થોડા અંશો બચ્યાં ત્યાંરે આકાશીદેવીએ પોતાનાં એક હાથમાં રહેલું નરોતમનું માથુ વિભુતિનાથ તરફ ફેંકયું.અને મોટા ઘોઘરા અવાજમાં બોલી “જો,મારા તરફથી તને આ પ્રસાદ આપું છું.હવે આ માનવકપાલ તારી સાથે રાખજે.” એ ચેલાનું માથુ સીધુ જ ગુરૂનાં હાથમાં પડયું.હવે આકાશીદેવીનાં વિકરાળ દેહમાંથી એક બીજો દેહ છુટો પડયોં.જે એવો જ વિશાળ અને સફેદ રંગનો હતો.દેખાવમાં સુંદર અને સોમ્ય આ શરીર કોઇ અપ્સરા જેવું લાગતું હતું.એમનું આ શરીર જમીન પર સ્થીર થયું.મુળ ભયંકર રાક્ષસી શરીર  એનાં મુળ સ્થાને જ હવામાં તરતું હતું.હવે આકાશીદેવી સુંદર અને સોમ્ય શરીરે ચાલીને જયાં અજય,રૂપા અને અલગારીનાથ ઉભા હતા એ તરફ આગળ વધી.સોમુનાં શરીરમાં રહેલા અજયની સામે આવી ઉભી રહી.અને જાણે કોઇ સંગીતનાં સુર વહેતા થયાં હોય એવા અવાજે બોલી  “તે મને તૃપ્ત કરી છે.માંગ, તને શું જોઇએ છે?” અજયે કંઇક બોલવાનો પ્રયત્ન કર્યોં પણ એનાં કંઠમાંથી અવાજ ન નીકળ્યોં.ત્યાં એની પાછળ ઉભેલા અલગારીનાથ બોલ્યાં “હે દેવી, જો તું ખરેખર પ્રશન્ન હોય તો આજીવન આ માનવોની રક્ષા કરતી રહેજે.આ ત્રણેય માનવીઓને દિર્ધ જીવન બક્ષજે.” 
“અરે અલગારીનાથ, એનાં માટે તો તું પણ સમર્થ છે.તું જેમની પાછળ ઉભો રહી જાય એની રક્ષા તો આપોઆપ થઇ જાય.અનેક સિદ્ધીઓની હું દેવી છું.કંઇક સિદ્ધી માંગી લે.” આકાશીદેવીએ હસીને કહ્યું.અજયને અલગારીનાથે ચુપ રહેવા કહ્યું હતું એટલે એ કંઇ ન બોલ્યોં.રૂપા તો પોતે બંને બચી ગયા એ વાતે જ સંતુષ્ઠ હતી.થોડે દુર ઉભેલા અજયનાં શરીરમાં સોમુને અફસોસ થયો એટલે એ મનમાં બબડયોં “અરે અજયભાઇ, માંગી લો.હું ત્યાં ઉભો હોત તો કંઇક માંગી જ લેત.” આકાશીદેવી એનો મનનો અવાજ સાંભળી ગઇ.એણે સોમુ તરફ જોયું.પણ અલગારીનાથ તરત જ વચ્ચે બોલ્યાં “માફ કરજે દેવી, આ સંસારી માણસો તારી સિદ્ધી સાચવી ન શકે.તું આકાશમાર્ગે વિચરણ કર હવે.આને અનાદર ન સમજતી, હે મહાશકિતશાળી!!” આકાશીદેવી ફરી પોતાના મુળ દેહમાં જવા લાગી ત્યાંરે અલગારીનાથે બુમ પાડી “ દેવી, આ વિભુતિની બધી શકિતઓનો નાશ કર.એ મારો ગુરુભાઇ આ શકિતઓને લાયક નથી.” આકાશીદેવીનાં બંને દેહ એક થયાં.એનો વિકરાળ દેહ આકાશ તરફ ઉડયોં અને એનાં છેલ્લા શબ્દો નીકળ્યાં “એવું જ થશે.” વિભુતિનાથે બંને હાથ હવામાં ઉંચા કરી એની પાછળ દોટ મુકી.અને વિનંતી કરતા બોલ્યાં  “નહિં દેવી, હું તો તારો દાસ છું,તારો સાધક છું.....” પણ ત્યાં તો એક જોરદાર હાસ્ય સાથે આકાશીદેવી આકાશમાં ગાયબ થઇ.
                  ગુફામાં હવે માત્ર અગ્નિનો કેસરી પ્રકાશ જ રહ્યોં.વિભુતિનાથ હવે એક સામાન્ય માનવી થઇ ગયા.એણે આહવાન કર્યું પણ ન તો એનાં ભૈરવ હાજર થયા ન તો પ્રેત.એટલે એ ગુસ્સે થઇ,હાથમાં ફરસો લઇ અલગારીનાથને મારવા ધસ્યાં.પણ એ પહેલા જ અલગારીનાથે એનાં તરફ હાથ કરી, કંઇક મંત્રો બોલી પોતાની ફરસીનો ઘા કર્યોં.એ ફરસીનો હાથો વિભુતિનાથનાં માથામાં લાગ્યોં.એ નીચે પડી ગયા.અને બેભાન થયાં. સોમુનાં શરીરમાં રહેલો અજય, રૂપા અને અજયનાં શરીરમાં રહેલો સોમુ ત્રણેય અલગારીનાથ તરફ જોઇ રહ્યાં.સૌથી પહેલા રૂપા આગળ વધી અને અલગારીનાથનાં પગે પડી.પછી અજય અને સોમુએ પણ એમને વંદન કર્યાં.રૂપાનાં માથા પર હાથ મુકી અલગારીનાથ બોલ્યાં 
“દિકરી, હવે તમે સલામત છો.તારા ભાઇને એના કર્મોનું ફળ મળી ગયું છે.હવે તમે સુખેથી સંસાર પાર કરો.બસ હવે હમણાં ભોર થઇ જશે.”
અજયનાં શરીરમાં રહેલો સોમુ વચ્ચે જ બોલ્યોં 
“મહારાજ...પ્રભુ, હવે અમારા આ શરીરનો ફરી બદલાવ કરી આપશો?”
અલગારીનાથ એક બાળકની જેમ ખડખડાટ હસ્યાં.અજય અને સોમુ તરફ જોયું.ચહેરા પર સોમ્ય ભાવ બનાવ્યાં પછી બોલ્યાં 
“એ મારા હાથની વાત નથી.” 
અજય અને સોમુ ગભરાયાં.બંનેએ એકબીજા તરફ દયામણાં ચહેરે જોયું.પછી અજયે રૂપા તરફ જોયું તો એ પણ હસતી હતી.એને નવાઇ લાગી.એટલે રૂપા બોલી “અજય, અલગારીનાથ તો તમારી મજાક કરે છે.એ તો સમર્થ ગુરુ છે.દયાળુ છે, એમનો પ્રેમ અને વાત્સલ્ય તો અમાપ છે.નરોતમનાં ગુરુ વિભુતિનાથ અને તેઓ બંને ગુરુભાઇ એટલે મને પણ ઘણીવાર એમના દર્શનનો લાભ મળેલ છે.”
“તમે બધા આ મશાલ લઇ આગળ શિવલિંગ પાસે બેસો, હું આવું છું.” અલગારીનાથ થોડા ગંભીર સ્વરે બોલ્યાં.
અજય અને સોમુએ ઠંડી અને આ ભયંકર ઘટનાનાં ડરથી ધ્રુજતા હાથે મશાલ લીધી.અને ત્રણેય શિવલિંગ પાસે આવ્યાં.મશાલને જયાંરે પથ્થરો વચ્ચે ગોઠવી તો એના પ્રકાશમાં શિવલિંગની આજુબાજુ ભરાયેલું પાણી વધારે સોનેરી દેખાતું હતુ.આ ગુફાની અંદર માનવજીવનમાં બનેલી ભયંકર ઘટનાઓથી અજાણ આ સુંદર પાણી શાંત હતુ.પણ અજય અને સોમુનાં મનમાં વિચારોનાં અનેક તરંગો ઉછાળા મારી રહ્યાં હતા.રૂપા નીચે બેસી,બે હાથ જોડી પ્રાર્થના કરવા લાગી.થોડીવારે એક માનવખોપડી હવામાં ઉડતી આવી.અજય અને સોમુની આંખોમાં જોઇ એણે બંનેને બેભાન કર્યાં.અલગારીનાથે ત્યાં આવી બંને ઉપર પાણી છાંટયું.થોડો સમય મંત્રો બોલ્યાં.આખરે મોટા અવાજે બોલ્યાં “કાલ...કપાલ....મહાકાલ”
બંને અચાનક જાગ્યાં જાણે દિવસો સુધી બેભાન રહ્યાં હોય એવી રીતે ઉછળીને બેઠા થયા.બંનેએ પહેલા પોતાના શરીર તરફ જોયું પછી એકબીજા તરફ નજર કરી.અજયે પોતાને પોતાના જ શરીરમાં જોયો.પછી ઉપર આકાશે દ્રષ્ટી કરી તો સવારનાં પહેલા પહોરનું આછું અજવાળું દેખાયું.સોમુએ પણ આ નવજીવનનો પ્રકાશ પોતાના શરીર મારફત જ જોયો.જંગલનાં પક્ષીઓ મધુરો કલરવ કરવા લાગ્યાં.અલગારીનાથ સામે પદ્માસનમાં બેઠા હતા.અજય ઉભો થઇ એમના પગમાં પડયોં.પછી બે હાથ જોડી બોલ્યોં “માફ કરજો મહારાજ, અમે આપને ઓળખી ન શકયા.પણ અનેક સવાલો હજુ મનમાં અકબંધ છે.એનું સમાધાન કરવાની આપ કૃપા કરો.” આ જોઇ સોમુ પણ અલગારીનાથનાં પગમાં પડી બોલ્યોં “મહારાજ, અમે આપની પાસે બહું નીચા છીએ.અમને સામાન્ય માનવી ગણીને માફ કરજો.”
અલગારીનાથનાં ચહેરે આ મધુરી સવાર જેવું જ સોહામણું સ્મિત રજુ થયું.
“બેટા રૂપા, અહિં આવ.તમને લોકોને આખી વાત કરું.” અલગારીનાથે અજય તરફ નજર રાખીને કહ્યું.અજયે રૂપા તરફ નજર કરી.એ સવારનાં પ્રકાશમાં એને પોતાની રૂપા કોઇ સોનાની મુરત, કોઇ અપ્સરા, કોઇ દેવી જેવી દેખાઇ.એ એકીટસે એની તરફ જોયા કર્યોં.અલગારીનાથે અજયનાં નામનો ઉચ્ચાર કર્યોં તો પણ રૂપામાં માનસીક રીતે ડુબેલો અજય બહાર ન આવ્યોં.સોમુને થોડી શરમ લાગી.એણે અજયને એનો ખભો હલાવી આ પ્રેમતંદ્રામાંથી જગાડયોં.ત્યાંરે અજયને પોતાનું દેહભાન અને અસ્તિત્વભાન થયું.એણે અલગારીનાથ તરફ જોયું તો એ ગંભીર મુખમુદ્રા કરી અજય તરફ જ જોતા હતા.અજયે બે હાથ જોડી કહ્યું “ક્ષમા પ્રભુ.” અલગારીનાથ થોડું હસીને બોલ્યાં “ કંઇ વાંધો નહિં, આ તારી વિકાર વિનાની અવસ્થા હતી.” 
“હા મહારાજ, આપ એ પણ જાણી ગયા?” અજયે આંખો નીચી કરી કહ્યું.
“હા, કામ કુદરતની એવી વ્યવસ્થા છે જે માનવમનને આંદોલીત...તરંગીત કરે છે.અને કુદરત પોતાનો સર્જનનો...નવા અવતરણનો આશય પાર પાડી લે છે.પણ પ્રેમ અને ધ્યાન એમાંથી મળેલા સુંદર ફળો છે.એમાં વિચલીતતા નથી.એ નિર્વિકાર શાંતિ છે.” અલગારીનાથ આટલું બોલ્યાં ત્યાંરે રૂપા પણ ત્યાં આવીને બેસી ગઇ.સોમુને અલગારીનાથની આવી ભારે વાતોથી કંઇ ખાસ સમજાયું નહિં એટલે એ વચ્ચે જ બોલ્યોં “મહારાજ, આપને આ બધી ઘટનાઓ વિશે આગોતરા જાણ હતી?”
“તારા આ પ્રશ્નનો જવાબ મારી આખી વાત પરથી તું શોધી લેજે.સાંભળો..... હું અને વિભુતિનાથ એક જ ગુરુનાં ચેલા છીએ.અમે અઘોરપંથી,વર્ષોની સાધના થકી અમે બંનેએ ભૈરવોને સિદ્ધ કર્યાં.ભૈરવ એટલે શિવનાં ગણ.જે આજે પણ સુક્ષ્મ અને અદ્રશ્ય સ્વરૂપે હાજર છે.પણ સતત સાથે રાખવા અમારે એને ખોરાક આપવો પડે.બલી આપવી પડે.એટલે એમના દ્વારા અમે અમારી આગળની સાધના સહેલાઇથી કરતા રહીએ.અમને જોઇતી સામગ્રીઓ ભૈરવ અમને પુરી પાડી આપે.બીજો એક કર્ણપીશાચ અમે સાધેલો હોય.જે અમને અદ્રશ્ય રીતે બધી માહિતી કાનમાં કહી જાય છે.અજય અને સોમુ, તમે બંને ગુફામાં મારી ગેરહાજરીમાં શું વાતો કરો છો, કેવું વર્તન કરો છો એ બધુ મને કર્ણપિશાચ કહી જતો હતો.આ બધા અમારા સાધન છે.જેમ આ ગાડી,મોબાઇલ,ટીવી...વિગેરે તમારા સંસારીઓનાં સાધન છે.પણ જેમ તમે એના દ્વારા સંસારને સાધો છો. એમ આ બધા સાધનથી અમે ઇશ્વરને પામવા પ્રયત્નો કરતા રહીયે.પણ આ સાધનોનો દુરઉપયોગ પણ થાય.જેમ નરોતમ અને વિભુતિએ કર્યોં.એમણે પોતાનાં સ્વાર્થ માટે નિર્દોષને પરેશાન કર્યાં.હત્યા કરી.એટલે એમને તત્કાલ એમની સજા મળી ગઇ.તમે લોકો આબુરોડ પર નરોતમની હોટલ પર આવ્યાં ત્યાંરે મે નરોતમને છેલ્લી ચેતવણી આપેલી.મને મારા કર્ણપિશાચે જણાવ્યું કે અજય એની કારમાં બેઠો છે.સોમુ એનો માણસ નરોતમની તપાસ કરવા આવ્યોં છે.એટલે મારી પાછળ આવવા તમને મે જ આકર્ષિત કર્યાં હતા.આ છેલ્લા ત્રણ દિવસમાં તમારી સાથે બનેલી તમામ ઘટનાઓનો હું સાક્ષી રહ્યોં છું.અને તમને બચાવવા જ મે તમને કેદ કર્યાં હતા.પછી સોમુનાં શરીરમાં અજયને અહિં મોકલ્યોં.પણ અહિં આ ગુફામાં રોહિત મદદ લઇ ફરી ન આવ્યોં એટલે એની પ્રેમિકાએ જીવ ગુમાવ્યોં.નહિંતર ફકત નરોતમનો જ અંત નકકી હતો.રોહિત સ્વાર્થી બની ભાગી ગયો.એટલે એક જીવ વધારે ગયો.......જેવી મહાકાલની ઇચ્છા.” આટલી વાત કર્યાં પછી અલગારીનાથ આંખ બંધ કરી બેઠા.રોહિતની વાત આવતા અજયે તરત જ પુછયું “પ્રભુ, રોહિત કયાં હશે?”
થોડીવાર પછી જવાબ આપતા અલગારીનાથ બોલ્યાં
 “નરોતમે એનું મન એક પ્રેતની મદદથી વિચલીત કરી દીધુ છે.એ અત્યાંરે માઉન્ટ આબુ પર પાગલ બનીને ફરે છે.ઓછામાં ઓછા એક વર્ષ સુધી એનો ઇલાજ નથી.”
 “મહારાજ, આ આકાશીદેવી વિષે કંઇક જણાવવાની કૃપા કરશો?” અજયે જોયેલી એ સાક્ષાત કાળસ્વરૂપ દેવી વિષે વધારે જાણવા પુછયું.
“બેટા અજય, તું તો ભાગ્યશાળી છે.તને આ રૂપાનાં ભાગ્યનો સાથ પણ મળ્યો છે.એટલે જ આ દેવીને જોઇ શકયો.હજારો વર્ષ પહેલા ૠષિઓએ રાક્ષસોથી પોતાની રક્ષા કરવા આ આકાશીદેવીનો દેહ રચ્યોં હતો.એ દેહ લઇ એ લોકો શિવભગવાન પાસે ગયા.શિવજીએ એમાં બ્રહ્માંડની સફેદ ઉર્જા એકત્ર કરી પ્રાણ ફુંકયાં.રાક્ષસો સામે લડવા બનાવી હતી એટલે શિવજીએ એને રાક્ષસો કરતા પણ અનેકગણી ક્રુરતા આપી.અનેક રાક્ષસોનાં લોહી પીધા પછી એને લોહી પીવાની સતત આદત થઇ ગઇ.એટલે શિવજીએ એને લુપ્તપ્રાય કરી.પછી અઘોરપંથીઓએ શિવસાધના કરી એને ફરી જાગૃત કરી.પણ એ માટેની વિધી બહું જ કઠીન થઇ ગઇ.ધરતી પર ત્રણ પર્વતો પર એક એક એમ ત્રણ ગુરુઓ જ એ જાણે છે.એક અમારા ગુરુમહારાજ, એક હિમાલયમાં અને એક ગીરનારમાં બિરાજમાન છે.અમારા ગુરુએ મને અને વિભુતિને આ વિધી જણાવી હતી.મારા ગુરુની હાજરીમાં ફકત એક જ વાર અમે એમના દર્શન કર્યાં હતા,અને આ બીજી વાર અહિં.એ આયુષ્યની બદલી કરી શકે છે.એટલે એની સાધના થાય છે.” આટલું બોલી અલગારીનાથ મૌન થયા.સોમુ કંઇક પુછવા જતો હતો ત્યાં ફરી એ બોલ્યાં
“બસ, આકાશીદેવી વિષે આનાથી વધારે માહિતી આપવાની મને મંજુરી નથી.”
રૂપાએ અધવચ્ચે સવાલ કર્યોં 
“ગુરુજી, આ વિભુતિનાથનું હવે શું થશે?”
“એને તો મે એનાં શરીરની બહાર કરી દીધો છે.એનું સ્થુળ શરીર અને કારણ શરીર જ અહિં રહેશે.જે વર્ષો સુધી આ ગુફામાં બંધ રહેશે.એનું ફકત સુક્ષ્મ શરીર મે બાંધીને કબજે કર્યું છે.જેને મારો એક ભૈરવ સાથે લઇ ગયો છે.વર્ષો પછી એની સ્મૃતિ ક્ષીણ થશે ત્યાંરે એને પાછો જીવતો કરીશ.આ એના અપરાધનો દંડ છે.લગભગ પંદર વર્ષ પછી શિવરાત્રીનાં દિવસે જ એનો જાગવાનો સમય આવશે.પછી પણ એ એક સામાન્ય માનવી તરીકે જ બાકીની જીંદગી જીવશે.”
“મહારાજ, તમારી ગુફામાંથી તમે ઘડી ઘડી બહાર જતા હતા....શા માટે?” સોમુ એ પણ સવાલ કર્યોં.
“તમે લોકો જયાંરે મારી ગુફામાં આવ્યાં એ જ સાંજે નરોતમ બધાને સંમોહિત કરીને આ ગુફામાં લાવ્યોં હતો.એટલે હું અહિં ત્રણ વાર પરીસ્થિતિ જોવા આવેલો.” 
“પણ તમારી હાજરીની જાણ ન થઇ?”
“હું ફકત મારા સુક્ષ્મ દેહથી અહિં આવતો હતો.”
અલગારીનાથ થોડા ગંભીર થઇ બોલ્યાં.થોડીવાર અટકીને ફરી કહ્યું “કેટલા સવાલો પુછશો? અમારા સંન્યાસી જીવન વિષે વધારે જાણશો તો તમે પણ અહિં જ રોકાઇ જશો.તમારી નિયતી તો સંસારમાં જ રહેવા બનેલી છે.સંસારમાં રહો અને સુખેથી જીવો એવા મારા આશિર્વાદ છે તમને બધાને.”
અજય અને સોમુ સમજી ગયા કે એક સાથે બધુ જાણી લેવાની આપણી વૃતી અલગારીનાથને નાપસંદ છે.એટલે બંને મૌન થયા તો રૂપાએ સવાલ કર્યોં
 “ગુરુદેવ, અમારા જીવનનું લક્ષ્ય શું? અમારે શું ધ્યાનમાં રાખીને જીવવું જોઇએ?” 
“વાહ બેટા, તે કંઇક ઢંગનો સવાલ કર્યોં.તમારા જીવનનું લક્ષ્ય છે પ્રેમતત્વ.એને ધ્યાનમાં રાખીને જીવન પસાર કરો.એ પ્રેમતત્વ જ તમને સુખી જીવન જીવાડી આખરે પ્રભુનાં દ્વારે લઇ જશે.માનવમનની યાંત્રીકતા કે હોશીયારી તમને કયાંય પણ નવી દિશા નહિં બતાવે.પ્રેમ તમારા માટે નવી દિશા ઉઘાડશે.....જો તારો આ અજય પ્રત્યેનો પ્રેમ....અજયનો તારા પ્રત્યેનો પ્રેમ....સોમુનો એમના માલિક પ્રત્યેનો પ્રેમ....તમને આ એક અજાણ દિશા...અજાણ ગુફામાં લઇ આવ્યોં.તમે તમારી અંદર જુઓ...ત્યાં પ્રેમ છલોછલ છે.એ પ્રેમ બધાને વહેચતા રહો.પ્રેમ માંગવાનું નહિં, બસ આપવાનું તત્વ છે.” અલગારીનાથે આટલું બોલીને ઉંચી દ્રષ્ટી કરી.આકાશ તરફ મીટ માંડી.અજય અને રૂપા બંને એકબીજા તરફ જોઇ રહ્યાં.સવારનો સોનેરી પ્રકાશ, પક્ષીઓનો મધુર કલરવ, ટપ-ટપ અવાજ સાથે ટપકતું પાણી અને આજુબાજુ તાજા ખીલેલા ફુલોની ફોરમ આ પ્રેમતત્વની આપ-લે નાં સાક્ષી બન્યાં.સોમુની નજર અલગારીનાથ તરફ મંડાઇ.સોમુને એ અમીટ દ્રષ્ટીમાં જાણે અમૃત દેખાયું હોય એમ એ બોલી પડયોં 
“મહારાજ, સાચુ પ્રેમતત્વ તો આપની આંખોમાં છલકાય છે.જેને છોડીને હવે હું સંસાર તરફ જઇશ નહિં.જો હું આપની સાથે રહેવા લાયક હોઉં તો મુજ અનાથને આપના સાનિધ્યમાં રહેવા મંજુરી આપો.અજયભાઇ, તમે હવે બીજો ચપરાસી શોધી લેજો.” સોમુની આવી વાતથી અજય અને રૂપાને આંચકો લાગ્યોં.એ લોકો કંઇ બોલે એ પહેલા જ અલગારીનાથ બોલ્યાં
“જેવી તારી ઇચ્છા.....પણ અધવચ્ચેથી પલાયન નહિં થઇ જતો.” 
                 અજય અને રૂપાએ સોમુને સમજાવાના બધા પ્રયત્નો કરી લીધા પણ સોમુ હવે મકકમ હતો.સોમુએ સંસાર અને સંન્યાસ બંનેનાં રંગ જોઇ લીધા હતા.સોમુ આબુનાં જંગલ-પહાડોમાં અલગારીનાથનાં સાનિધ્યમાં રોકાઇ ગયો.અજય અને રૂપા સંસારચક્ર આગળ વધારવા માટે ફરી સુવિધાઓથી ભરેલા શહેરી જીવન તરફ ચાલતા થવાના હતા.જયાંરે પણ જરૂર પડે ત્યાંરે મનથી યાદ કરશો તો મદદ પહોંચી જશે એવી બાંહેધરી અલગારીનાથ તરફથી મળી, એટલે અજય અને રૂપા ખુશ હતા.પણ છતાં આવા સમર્થ, સિદ્ધ અને સરળ સાધુને છોડીને જવામાં બંનેનાં મન પર ભાર હતો.અજય અને રૂપા ઉભા થયા.અલગારીનાથને નમન કરી વિદાય લીધી.સોમુ એને ગુફાનાં દ્વાર સુધી વળાવવા આવ્યોં, પણ અલગારીનાથ ધ્યાનસ્થ થઇ બેસી રહ્યાં.અજયે છેલ્લે સોમુની આંખમાં આસુ જોયા.એ આસુ વિદાયનાં હતા કે નવજીવનની ખુશીનાં....એ સમજવું અજય માટે મુશ્કેલ બન્યું.
              થોડે દુર ચાલ્યાં પછી તરત જ વાહનોનાં અવાજોથી મુખ્ય માર્ગ પકડાઇ ગયો.રસ્તાનો ઢાળ અને માઉન્ટ આબુ તરફનું પાટીયું જોઇ અજયે પોતાની કારની દિશા નકકી કરી, રૂપાનો ડાબો હાથ પોતાના જમણા હાથમાં પરોવી ચાલતો થયો.વાતાવરણમાં શિયાળાની ઠંડક અને તડકાની હુંફ બંને હતી.રૂપા મૌન હતી.અજયનાં મનમાં છેલ્લા ત્રણચાર દિવસમાં બનેલી ઘટનાઓ વિચારોનાં ચકડોળે ચડી હતી.જયાંરે બધા વિચારો અસ્તવ્યસ્ત થયા ત્યાંરે એ બોલી પડયોં
“રૂપા, નરોતમે કરેલા તમારા બદલાવનાં પ્રયોગથી આપણા જીવનમાં કેટલો બધો બદલાવ થઇ ગયો.કેટલી અણધારી ઘટનાઓ, અણધાર્યા દ્રશ્યોમાંથી આપણે પસાર થવું પડયું.આપણી કિસ્મતમાં આવું લખ્યું હશેને!! કંઇક મેળવવાનું અને કંઇક ગુમાવવાનું....”
“હા બલમજી, પણ મારા લીધે તમારે ખુબ પરેશાન થવું પડયું એનો ભારોભાર અફસોસ છે.” રૂપાએ કહ્યું.
“ના રૂપા, મે તો ઘણું મેળવ્યું છે.જો, અલગારીનાથ જેવા ગુરુ મળ્યાં...માનવામાં ન આવે તેવી તાંત્રીક વિધીઓ જોઇ ...આકાશીદેવીનું ભયંકર રૂપ જોયું...અને આખરે આપણે સહીસલામત ફરી ઘર તરફ જઇ રહ્યાં છીએ.ગુમાવવાનું તો તારે થયું.ભાઇ અને સખીને તે ગુમાવ્યાં.” અજયનું આ છેલ્લું વાકય રૂપાને હૃદયમાં વાગ્યું.એનું મન વિષાદથી ઘેરાયું.મનની આ અસર શરીર પર આવી.અજયને રૂપાનો હાથ ખેંચાયો હોય એવો ભાસ થયો.અજયે તરત જ રૂપા તરફ નજર ફેરવીને જોયું તો રૂપાને ચકકર આવતા હતા.એ એક લથડીયું ખાઇ નીચે પડવાની અણી પર હતી કે અજયે એને સંભાળી.રસ્તાની બાજુ પર પથ્થરનાં ટેકે એને બેસાડી.
“રૂપા...ઓ રૂપા...શું થયું?”
રૂપાની જીભ પણ લોચા વળતી હોય એમ એ બોલી
“થોડી ‘વીકનેસ’ લાગે છે.” થોડી ક્ષણો રોકાઇને ફરી એ બોલી “આઇ એમ નોટ ફીલીંગ બેટર.અજય... મને તારો ‘સપોર્ટ’ જોઇશે.”
અજયને આ સાંભળી, મન અને શરીરમાં ભયનું એક લખલખું પસાર થઇ ગયું.બેભાન અવસ્થામાં સરકી જતી રૂપાને અજયે પોતાના બંને હાથોથી હલાવી.રૂપા ફરી ભાનમાં આવી.એટલે અજયે પુંછયું “તું શું બોલી રહી હતી?”
“મને ખબર નથી, અજય.હું તો ઉંઘીને ઉઠી હોય એવું લાગે છે.” પાસે વહેતા એક નાના ઝરણામાંથી અજયે રૂપાને પાણી આપ્યું.એ હવે સ્વસ્થ હતી, પણ અજય નહિં.રૂપાનાં અંગ્રેજી વાકયોથી અજયને ફરી ભયંકર ભુતકાળ યાદ આવી ગયો.પણ પોતાના મનનાં ઉંડાણમાંથી પ્રેમતત્વ ઉલેચી, રૂપાને સહારો આપી ઘર તરફ ચાલતો થયો.
                 (આમ તો કોઇ વાર્તા કયાંરે પણ પુરી થતી નથી.પૃથ્વી ગોળ ફરે છે...દિવસ અને રાત અવિરત ચાલ્યાં કરે છે ત્યાં સુધી માનવજીવનની વાર્તા કોઇને કોઇ રૂપે ચાલુ જ રહેવાની....છતા અહિં સમાપન કરીએ.)              
                       સમાપ્ત.
        
              બદલાવનાં દરેક વાંચકોએ પોતાનો કિંમતી સમય આપ્યોં, આ સ્ટોરી વાંચી અને પોતાનો ગમો-અણગમો ‘સ્ટાર રેટીંગ’ દ્વારા રજુ કર્યોં.એ તમામ વાંચનરસિક ભાઇઓ તથા બહેનોનો હું મારા ખરા હૃદયથી આભાર માનું છું.અને એ દ્રઢપણે માનું છું કે વાચકો ન હોય તો લેખકનું શું કામ છે? 
              આટલી બહોળી સંખ્યામાં મળેલા ‘ડાઉનલોડસ’ અને ‘સ્ટાર રેટીંગ’ થી આનંદ અને પ્રેરણાની લાગણી અનુભવી રહ્યોં છું.ફરી એક વખત આપ સૌનો આભાર.
                  --ભરત મારૂ
                    99257 05050
              
                  

                      
           ***

રેટ કરો અને રિવ્યુ આપો

Daksha

Daksha 11 માસ પહેલા

Sunita Modi

Sunita Modi 1 વર્ષ પહેલા

Jagruti Solanki

Jagruti Solanki 1 વર્ષ પહેલા

Usha Dattani

Usha Dattani 1 વર્ષ પહેલા

Tushar Chabhadiya

Tushar Chabhadiya 1 વર્ષ પહેલા