રુદ્ર ની પ્રેમકહાની - 20

રુદ્ર ની પ્રેમકહાની

અધ્યાય - 20

રુદ્ર મનુષ્યો દ્વારા નિમલોકો જોડે કરવામાં આવેલી અન્યાયી સંધિનો નાશ કરવાં પોતાનાં મિત્રો શતાયુ અને ઈશાન જોડે કુંભમેળા દરમિયાન પૃથ્વીલોક પર જવાનું આયોજન કરે છે. એ મુજબ રુદ્ર ગુરુ ગેબીનાથ ને મળીને પૃથ્વીલોક જવાની આજ્ઞા મેળવી શતાયુ અને ઈશાન આ સાથે જ કુંભમેળામાં આવી પહોંચે છે.. પૃથ્વીલોકનાં સૌથી વધુ શક્તિશાળી રાજા અગ્નિરાજ ની પુત્રી રાજકુમારી મેઘના સ્નાન અર્થે આવવાની હોવાથી અગ્નિરાજ નાં સૈનિકો કિનારો ખાલી કરાવે છે.. શતાયુ અને ઈશાન તો ત્યાંથી જતાં રહે છે પણ રુદ્ર નદીમાં જ રોકાઈ જાય છે.

શતાયુ અને ઈશાન નાં ત્યાંથી જતાં જ રુદ્ર ઊંડો શ્વાસ ભરી નદી ની અંદર પાણીની નીચે જતો રહ્યો.. પાણી ની સપાટીથી થોડીક જ ઊંડાઈ પર પોતાનું માથું રાખી રુદ્ર આ રાજકુમારી મેઘના કોણ છે અને કેવી દેખાય છે એ જોવાં માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો.

થોડીવાર થઈ ત્યાં તો કિનારે ભારે હલચલ થઈ ગઈ.. કિનારે ઉભેલાં સૈનિકો કિનારાથી થોડે દુર જઈને નદી તરફ પીઠ ઘુમાવી ઉભાં રહી ગયાં.. આ સાથે જ સિત્તેર થે એંસી જેટલી સ્ત્રીઓ આવીને કિનારે ઉભી રહી ગઈ.. ઘણી સ્ત્રીઓએ પોતાની જોડે રહેલાં કપડાં ને એકબીજાંનાં હાથમાં પકડી નદી કિનારે એક કાપડની દીવાલ જેવું બનાવી દીધું.. આ સાથે જ શ્વેત પરિધાનમાં સજ્જ એક સુંદર યુવતી બીજી પાંચ યુવતીઓ સાથે નદીનાં પાણીમાં પ્રવેશી.

શ્વેત પરિધાનમાં સજ્જ એ યુવતીનાં ચહેરા પર મોજુદ ગજબનું આકર્ષણ, એનાં તીખાં નયનનક્ષ અને એક અલગ જ વ્યક્તિત્વ એ દર્શાવવાં કાફી હતાં કે એ પોતે જ રાજકુમારી મેઘના છે.. ગંગા નાં પાણીથી પણ પવિત્ર એવી મેઘના નાં પાણીમાં ઉતરતાં જ કોઈ અદ્રશ્ય શક્તિ જાણે મેઘનાથી થોડે દુર છુપાયેલાં રુદ્રને સ્પર્શી હોય એમ રુદ્રનાં સમગ્ર દેહમાં કંપારી છૂટી ગઈ.

એક અજાણ્યો યુવક પોતાનાંથી અમુક અંતરે છુપાઈને પોતાને જોઈ રહ્યો હતો એ વાતથી બેખબર રાજકુમારી મેઘના પોતાની જ ધૂનમાં પોતાની સખીઓ સાથે સ્નાન નો આનંદ માણી રહી હતી.. અન્ય મનુષ્યોની માફક એક રાજવી પરિવારની રાજકુમારી પણ આ રીતે નદીમાં સ્નાન કરવાં આવવું પોતાનું સદનસીબ માનતી હોય તો સાચેમાં આ કુંભમેળો મનુષ્યલોક પર વસતાં સમસ્ત મનુષ્યો માટે આસ્થા ની સાથે વિશ્વાસનું કેન્દ્ર પણ હતો એ વાત રુદ્ર સમજી ગયો.

આ સાથે જ રુદ્ર ને આ કુંભમેળો કેમ આયોજિત થતો હતો એ વિષયમાં ગુરુ ગેબીનાથે આપેલી માહિતિ યાદ આવી.

"હજારો વર્ષ પહેલાં દેવતાઓ અને દાનવો એ મળીને સમુદ્રમંથન કર્યું ત્યારે સમુદ્રમાંથી છેલ્લે સુધાકુંભ એટલે કે અમૃત ભરેલો કળશ નીકળ્યો.. આ કળશમાં રહેલું અમૃત મેળવવા દેવતાઓ અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ આરંભાયું.. આ ભીષણ યુદ્ધ વખતે અમૃત ને સાચવવાની જવાબદારી ચંદ્રદેવે અને કુંભ ને સાચવવાની જવાબદારી સૂર્યદેવે નિભાવી. "

"આ દરમિયાન દેવો અને દાનવો વચ્ચે કુલ બાર જગ્યાએ યુદ્ધ થયું.. જેનાં લીધે અલગ-અલગ બાર જગ્યાએ અમૃતનાં ટીપાં પડ્યાં.. જેમાંથી મૃત્યુલોક એટલે જે પૃથ્વીનાં ચાર સ્થળો નાસિક, હરિદ્વાર, ઉજજેન અને પ્રયાગરાજ ખાતે રાશિ અને સૂર્ય-ચંદ્ર નાં સ્થાન મુજબ કુંભમેળાનું આયોજન થતું રહે છે. "

રુદ્ર એ પાણીથી બહાર પોતાનો અડધો ચહેરો કાઢીને રાજકુમારી મેઘના ની તરફ નજર ફેંકી.. પોતાની સખીઓ સાથે આનંદથી નદીમાં સ્નાન કરતી મેઘના ને જોઈ રુદ્ર ને લાગી રહ્યું હતું કે ઘણાં દિવસે મેઘનાને આમ મુક્ત મને સમય પસાર કરવાં મળી રહ્યો હતો.. પાણીમાં ભીંજાવાથી મેઘનાનાં પરિધાન એનાં નાજુક અંગો સાથે ચીપકી ગયાં હતાં.. સુંદર ચહેરો, નમણી ગરદન, ઘાટીલો સ્તનપ્રદેશ, આકર્ષક નાભિપ્રદેશ અને મરોડદાર કમર પ્રદેશ મેઘના કુદરતની બનાવેલી બેનમૂન કૃતિ છે એ દર્શાવવાં કાફી હતાં. મેઘના નાં અંગોની બનાવટ જોઈને રુદ્ર ની હાલત તો વિતતાં દરેક ક્ષણ સાથે વધુને વધુ ખરાબ થઈ રહી હતી.

"રાજકુમારી, હવે ઘણો વખત થઈ ગયો.. ચલો હવે નીકળીએ અહીંથી.. "મેઘના ની જોડે સ્નાન કરતી એક યુવતી મેઘનાને ઉદ્દેશીને બોલી.

"તારા, હજુ થોડાં સમય પછી જઈએ.. આજે બહુ દિવસે પિતાજીએ આમ ખુલ્લાંમાં જવાની છૂટ આપી છે.. ભલે એમનાં સૈનિકો ઝાઝા દૂર નથી પણ સાવ એવું એ નથી કે રોજની જેમ પડછાયાની માફક આજુબાજુ જ હોય.. "મેઘના જે રીતે તારા નામની એ યુવતી સાથે વાત કરી રહી હતી એનાંથી અમુક વસ્તુઓ સ્પષ્ટ થતી હતી.. જેમાં એક હતી કે તારાને મેઘના દાસી હોવાં છતાં પણ સખી સમજતી હતી.. અને બીજું એ કે પોતાનાં પિતાજી અગ્નિરાજ નાં સૈનિકો સદાય મેઘના નાં રક્ષણ માટે એની ફરતે હાજર રહેતાં જે પોતાની સ્વતંત્રતા ને છીનવી લેનારું મેઘનાને લાગતું.

"સારું.. પણ ઝાઝો વખત તમે અહીં રહેશો તો તમારાં પિતાજી અમને વઢશે.. "તારા એ કહ્યું.

"સારું.. હવે તું તારી બકબક બંધ કરીશ અને શાંતિથી આ ઠંડા પાણીની મજા લેવાં દઈશ..? "આટલું બોલતાં જ મેઘનાએ હથેળીનાં સ્પર્શ વડે પાણીની છાલકો પોતાની જોડે સ્નાન કરી રહેલી દાસીઓ પર ઉડાડવા માંડી.. સામા પક્ષે એ બધી દાસીઓએ પણ મેઘનાની ઉપર પાણીની છાલકો ઉછાળી એને પુરેપુરી ભીંજવી મુકી.

આ સાથે જ મેઘના નું નિર્દોષ હાસ્ય વાતાવરણમાં પડઘાવા લાગ્યું.. રુદ્ર તો બસ આ કુદરતની બેનમૂન રચનાને મનભરીને જોવામાં એ હદે મશગુલ થઈ ગયો કે એને એ વાતનું ભાન જ ના રહ્યું કે આખરે એ અત્યારે નિમલોકો માટે પ્રવેશ નિષેધ કરાયેલાં પૃથ્વીલોક પર હતો.. અને એ ચોરી છુપીથી રાજકુમારી મેઘનાને જોઈ રહ્યો હતો એ સમસ્ત પૃથ્વીલોક નાં સૌથી શક્તિશાળી રાજા અગ્નિરાજ ની દીકરી હતી.

આખરે ગંગા, યમુના અને સરસ્વતી નદીનાં આ પવિત્ર ત્રિવેણી સંગમને વધુ પવિત્ર બનાવી મેઘના નદીમાંથી બહાર આવી.. મેઘના નાં બહાર આવતાં જ મેઘના પરિધાન બદલી શકે એ હેતુથી કિનારે ઉભેલી પચાસેક દાસીઓએ કપડાં અને પોતાની જાત ની એક આડશ મેઘના માટે ત્યાં તૈયાર કરી.. રુદ્ર ધીરે ધીરે પાણીની અંદર અંદર તરતો તરતો ત્યાં જઈ પહોંચ્યો જ્યાં થોડાં સમય પહેલાં મેઘના સ્નાન કરી રહી હતી.. કેમકે ત્યાંથી મેઘના અત્યારે જ્યાં ઉભી હતી એ સ્થાન સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

થોડીક ક્ષણો બાદ નિલા રંગનાં પહેરણમાં સજ્જ મેઘના દાસીઓની બનાવેલી આડશ પાછળથી બહાર આવી અને ધીરે-ધીરે કિનારાથી દુર ચાલી નીકળી. મેઘનાની પાછળ-પાછળ એની જોડે આવેલી દાસીઓ અને અગ્નિરાજનાં સૈનિકો પણ ચાલી નીકળ્યાં... એ લોકોનાં ત્યાંથી જતાં જ રુદ્ર એ પોતાનો ઉપરનો દેહ પાણીમાંથી બહાર કાઢ્યો અને મોટેથી હર હર મહાદેવનું નામ લઈને પાણીમાં ડૂબકી મારી.

ડૂબકી મારતાં જ રુદ્રનાં હાથમાં અનાયાસે એક રત્નજડિત વીંટી આવી.. વીંટી ને જોતાં જ રુદ્ર સમજી ગયો કે આટલી મોંઘી વીંટી કોઈ સામાન્ય વ્યક્તિની હોઈ જ ના શકે. જેનો સીધો અર્થ એ નીકળતો હતો કે આ વીંટી રાજકુમારી મેઘના ની હતી.. અને આ અંદાજો આવતાં જ રુદ્ર નાં ચહેરા પર હાસ્ય ફરી વળ્યું અને એને આકાશની તરફ જોઈ મનોમન પોતાનાં આરાધ્ય દેવ એવાં મહાદેવ નો આભાર માન્યો.

રાજકુમારી મેઘનાનાં ત્યાંથી જતાં ની સાથે જ પુનઃ કુંભમેળામાં આવેલી જનમેદની નદીની તરફ ધસી આવી.. આમ થતાં રુદ્ર હાથમાં વીંટી લઈ ભીનાં વસ્ત્રો સાથે જ એ દિશામાં ચાલી નીકળ્યો જ્યાં એને ઈશાન અને શતાયુ ને ઉભાં રહેવાં કહ્યું હતું.. રુદ્ર ને દૂરથી આવતો જોઈ શતાયુ અને ઈશાન હાંફળા-ફાંફળા એની તરફ ગયાં.

"એ ભાઈ, તું ત્યાં શું કરતો હતો..? અમારાં જીવ અહીં ગળા સુધી આવી ગયાં હતાં... "રુદ્રનાં નજીક આવતાં જ શતાયુ બોલી પડ્યો.

"હું તો ત્યાં નદીમાં છુપાઈને કુદરતની બેનમૂન કૃતિ જોતો હતો.. "રુદ્ર હજુપણ મેઘના ની જાદુઈ અસરમાંથી બહાર ના આવ્યો હોય એમ મલકાતાં મલકાતાં બોલ્યો.

"તારો અર્થ રાજકુમારી મેઘના તો નથી ને..? "રુદ્ર ની વાત સાંભળી ઈશાને વિસ્મય સાથે સવાલ કર્યો.

"હા, મિત્ર.. તું જે અનુમાન લગાવી રહ્યો છે એ બિલકુલ સાચું છે.. હું ત્યાં આમ તો એ જોવાં રોકાયો હતો કે આખરે રાજકુમારી દેખાય છે કેવી.. જેથી આપણને આગળ જતાં સંધિ શોધતી વખતે ક્યાંક કોઈ કારણોસર એની જરૂર પડે તો કામ આવે.. પણ રાજકુમારી નું રૂપ જોયાં બાદ તો મને એવું લાગી રહ્યું છે કે હું પોતે હવે કંઈ કામનો નથી રહ્યો.. "રુદ્ર અર્ધભાન માં હોય એમ બોલ્યો.

"ભાઈ.. લાગે છે તારું ભમી ગયું છે.. તું રાજકુમાર ખરો પણ પાતાળલોકનો જ્યારે એ દીકરી છે પૃથ્વીલોક નાં મહાન રાજા અગ્નિરાજ ની.. તારો અને એનો મેળ ના ખાય વ્હાલા.. "રુદ્ર ની વાત સાંભળી શતાયુ ગુસ્સે થતાં બોલ્યો.

"રુદ્ર, આપણે અહીં જે કાર્ય ને સિદ્ધ કરવાં આવ્યાં છીએ એ કાર્ય ને સિદ્ધ કર્યાં પહેલાં અન્ય કોઈ વસ્તુ વિશે વિચારવું યોગ્ય નથી.. "ઈશાન રુદ્ર ને સમજાવતાં બોલ્યો.

"અરે તમે બંને તો વધુ પડતાં ગંભીર થઈ ગયાં.. ભાઈ મને પણ જ્ઞાત છે કે આપણાં અહીં ભૂલોક પર આવવાનો ઉદ્દેશ આખરે શું છે.. પણ એ ઉદ્દેશ ને પૂર્ણ કરવાનું પ્રથમ પગથિયું બનશે રાજકુમારી મેઘના.. "રુદ્ર નાં ચહેરા પર આટલું બોલતાં એક ભેદી સ્મિત ફરી વળ્યું.

"એ કઈ રીતે..? "રુદ્ર ની વાત સાંભળી આશ્ચર્ય સાથે શતાયુ બોલ્યો.

"આ રીતે.. "મેઘના ની રત્નજડિત અંગૂઠી શતાયુ અને ઈશાનને બતાવતાં બોલ્યો.

"એક અંગૂઠી રાજકુમારી સુધી પહોંચવાનો રસ્તો બનશે..? પણ કઈ રીતે..? "રાજકુમારી મેઘનાની રત્નજડિત અંગૂઠી તરફ જોતાં ઈશાન અને શતાયુ એક સુરમાં બોલી પડ્યાં.

"આ અંગૂઠી રાજકુમારી મેઘના ની છે.. જ્યારે એ નદીમાં સ્નાન કરવા આવી ત્યારે આ અંગૂઠી એની આંગળીમાંથી નીકળી ગઈ અને મહાદેવની કૃપાથી એ મારાં હાથ લાગી.. "રુદ્ર એની આજુબાજુથી પસાર થતાં લોકો સાંભળે નહીં એ રીતે ધીરેથી બોલ્યો.

"હા પણ આ અંગૂઠી કઈ રીતે તને રાજકુમારી મેઘના સુધી પહોંચવામાં મદદ કરશે..? "શતાયુ રુદ્ર ની તરફ પ્રશ્નસુચક નજરે જોતાં બોલ્યો.

શતાયુ નાં સવાલ નો જવાબ રુદ્ર આપે એ પહેલાં તો અગ્નિરાજ નાં સૈનિકો હાથમાં નગારાં લઈને ત્યાં આવી પહોંચ્યાં. નગારાંનાં ધ્વનિનાદ સાથે એ સૈનિકોએ મોટેથી જાહેરાત કરી.

"સાંભળો.. સાંભળો.. સાંભળો, હમણાં રાજકુમારી અહીંયા સ્નાન કરવાં આવ્યાં હતાં ત્યારે એમની રત્નજડિત અંગૂઠી નદીમાં કે નદી કિનારે ખોવાઈ ગઈ છે.. જે કોઈને એ અંગૂઠી મળે એને અંગૂઠી સાથે મહારાજ અગ્નિરાજ નો જ્યાં ઉતારો છે ત્યાં પહોંચી જવું.. અંગૂઠી આપનાર ને મહારાજ મોં માંગ્યું ઇનામ આપશે. સાંભળો.. સાંભળો.. સાંભળો.. "

આ સાથે જ રુદ્ર નાં ચહેરા પર વિજયસુચક સ્મિત ફરી વળ્યું.

★★★

વધુ નવાં અધ્યાયમાં.

રુદ્ર અંગૂઠીનાં બદલામાં શું માંગશે. ? રુદ્રનું મેઘના તરફનું આકર્ષણ આગળ જતાં શું અધ્યાય રચવાનાં હતાં..? શું રુદ્ર અને એનાં મિત્રો મનુષ્યો અને નિમલોકો વચ્ચેની સંધિ ક્યાં રાખવામાં આવી છે એ જાણી શકશે. ? રુદ્ર કોઈ નવી મુસીબતમાં તો નહીં ફસાઈ જાય ને..? માનવો અને નિમ લોકો વચ્ચે ક્યારેય સુમેળભર્યો સંબંધ પ્રસ્થાપિત થશે..? રુદ્ર નો જન્મ કઈ રીતે આખાં જગતને અસર કરનારો સાબિત થવાનો હતો...? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય.. આ નવલકથા નાં શરુવાતનાં ભાગ નવલકથાનો પાયો તૈયાર કરી રહ્યાં છે.. આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન

The ring, ડેવિલ રિટર્ન અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન. આર. પટેલ (શિવાય)

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Champu

Champu 10 માસ પહેલા

Makwana Yogesh

Makwana Yogesh 10 માસ પહેલા

Dhabu Bhatt

Dhabu Bhatt 10 માસ પહેલા

Sapna

Sapna 10 માસ પહેલા

Jagdish

Jagdish 10 માસ પહેલા